‘આપણા સમાજની વિકાસ યાત્રા’
પ્રિય જ્ઞાતિબંધુ -ભગીનીઓ,
અંદાજે પાંચ દાયકા પહેલા મહારાષ્ટ્ર સરકારે ભારત વર્ષનાં આર્થિક કેપીટલ સમા મહાનગર મુંબઈ પરની વસ્તીનો ભાર હળવો કરવા નવી મુંબઈની સ્થાપના કરી. સૌ પ્રથમ પાયાની જરૂરીયાત સમાન રોડ તથા રહેણાંક માટેનાં મકાનો બનાવવાની શરૂઆત અંદાજે ૧૯૭૨ થી શરૂ થઈ. આ અરસામાં આ કાર્ય માટેના જરૂરી બાંધકામ વ્યવસાયે તથા ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા મુઠ્ઠીભર આપણા જ્ઞાતિજનો પોતાનું તકદીર અજમાવવા અહીં આવ્યા અને તેઓ જેમ જેમ નગર વસતું ગયું તેમ તેમ તેઓનું કાર્યક્ષેત્ર વિશાળ થતા એક પછી એક આપણાં બાંધવોને બોલાવતા ગયા અને ધીરે ધીરે નવી મુંબઈ વિસ્તારમાં કુટુંબ સાથે વસવાટ શરૂ કર્યો. સમયાંતરે આ કુટુંબોની સંખ્યા વધતી ગઈ.
આજથી સતાવીસ વર્ષ પહેલા સમાજના થોડા બંધુઓને વિચાર આવ્યો કે, આપણી પાસેથી ડૉનેશન લઈ બધીજ જ્ઞાતિઓ પોતાના સમાજ ઊભા કરે છે અને આપણે આપણા સમાજ માટે કશું કરતા નથી. આપણામાં બધી જ શક્તિ છે પણ આ શક્તિઓને જાગૃત કરવા માટે સંગઠનનો અભાવ છે. આપણે નવીમુંબઈના વિકાસના મુખ્યકાર્ય કન્સ્ટ્રકશન એક્ટીવીટી તથા તેને લગતા એન્સીલરી ઉદ્યોગોના મુખ્ય વ્યવસાયમાં જોડાઈને નવીમુંબઈને આપણી કર્મભૂમિ બનાવી છે. કાયમી ધોરણે અહીં વસવાટ કરવાની ઈચ્છાથી સૌ પોતપોતાની જરૂરિયાત પ્રમાણેના રહેઠાણોની ખરીદી કરી રહ્યા છીએ. આવા સમયે આપણે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ જોગેશ્વરી મુંબઈના સમાજથી પ્રેરણા લઈ, ભવિષ્યની જરૂરીયાતોને દ્રષ્ટિ સમક્ષ રાખીને આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ.
આ વિચારોને હવાની પાંખ લાગી, એકબીજાના સંપર્ક કરી સૌએ વાતને વેગ આપ્યો, અને સમાજના શ્રેષ્ઠી બંધુઓ સુધી પહોંચી. થોડા ઉત્સાહિ જ્ઞાતિબંધુઓએ મળી એક નાની મીટીંગ કરી અને આ મીટીંગમાં નક્કી થયા પ્રમાણે એકબીજાને જાણતા હોય તેટલા બંધુઓને આમંત્રણ આપી મોટી મિટીંગનું આયોજન કરવાનું નક્કી કર્યું. એમ કરતા કરતા ૧૯૯૭માં નવીમુંબઈમાં વસતા અને કામ ધંધો કરતા સમાજના બધાજ જ્ઞાતિબંધુઓને આમંત્રણ આપી મોવડી મંડળની અધ્યક્ષતામાં વાશી-નવીમુંબઈ મહાત્માફૂલે ભવનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું, પણ આશ્ચર્ય !! તેના પ્રતિસાદ રૂપે તે વખતે મહાત્માફુલે સભાગૃહમાં બેસવાની જગ્યા ન મળે તેટલો જ્ઞાતિબંધુઓની હાજરી અને તેમનો ઉત્સાહ, બહેનો ,બાળકો ,ભાઈઓ તથા મિત્રો,મહેમાનો અત્રે પધારેલ સૌનું સમાજનાં મોવડી મંડળે અભિવાદન કર્યું અને અભિનંદન આપ્યા. આપણા સમાજની ઉન્નતી માટે અને ભવિષ્યમાં આપણા સમાજ માટેના કાર્ય માટે સંગઠન-સેવા અને સહકારથી કાર્ય કરી આગળ વધીશુ તેવો નારો આપ્યો.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ-નવીમુંબઈ ની સ્થાપનાની ઘોષણા કરી અને આ ઘોષણાના પ્રતિસાદ રૂપે હાજર જ્ઞાતિબંધુઓ-ભગીનીઓ તથા બાળકોએ તાળીઓના ગડગડાટથી હૉલ પાંચ મીનીટ સુધી ગજાવ્યો, જાણે દિવાળીની ખુશી હોય, હોળીના રંગો ઉડયા હોય અને નવરાત્રીમાં જેમ વ્યસ્ક અને યુવાનો તથા બાળકો ઢોલના તાલે ઝુમતા હોય તેમ સૌના મન પ્રકુલ્લીત થતા જોવા મળ્યા.આ ઉત્સાહ જોઈ મોવડી મંડળે આપણા સમાજનું સુકાન યુવાઓને સોપવામાં આવશે તેવી ઘોષણા કરી. યુવાનોએ આ ચેલેન્જનો સ્વિકાર કરી હોંકારો આપ્યો કે વડિલ શ્રેષ્ઠીઓ આપના માગદર્શન હેઠળ જે કંઈ સમાજ માટે કરવુ પડશે તે કરવા અમો તૈયાર છીએ. આવો અમને આદેશ આપો. ધ્યેય હાંસલ કરી આપની સમક્ષ પરિણામ લાવીને જ ઝંપીશું. ત્યારે વડિલબંધુઓ તરફથી સર્વાનુમતે યુવાન, કાર્યકર્તા અને ખંતિલા તેવા શ્રી દિનેશભાઈ કાનાણીને સમાજના પ્રમુખ પદે નિયુક્ત કરવાનો પ્રસતાવ સભા સમક્ષ મુક્યો અને સૌની કિકિયારીથી તેમને આ પદ સોપવામાં આવ્યું. શ્રી દિનેશભાઈ કાનાણીએ પ્રમુખપદ સ્વીકારી સૌના વિશ્વાસમાં ખરા ઉતરવા સૌનો સહકાર માંગ્યો ને આભાર વ્યક્ત કર્યો.
પદ સાથે જવાબદારી પણ આવે છે આ જવાબદારીનું વિભાજન તથા સહકાર માટે તેમની કારોબારી ટીમમાં બે ઉપપ્રમુખ એક મહામંત્રી, એક મંત્રી, એક ખજાનચી તથા સહખજાનચીની નિમણુંક પણ કરવામાં આવી. સાથે સાથે કારોબારી સમિતિના અન્ય ૨૪ સભાસદોની નિમણુંક કરી યુવાનોની ટીમ તૈયાર કરવામાં આવી. આ પ્રસંગે સભા સમક્ષ આપણા સમાજ માટે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડી સેવા આપી શકે તેવા ટ્રસ્ટી મંડળની પણ ઘોષણા કરવામાં આવી જેમાં ૧૧ ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી આ ટ્રસ્ટી મંડળમાં વડિલો તથા યુવાઓનો સમન્વય સાધવામાં આવ્યો. આટલું થતા બધાજ બંધુઓના મનમાં થયુ હશે કે હવે શું ? તો હવે ટ્રસ્ટીમંડળ વતી શ્રી ચતુરભાઈ ઠુમ્મર તથા શ્રી કનુભાઈ કાનાણી અને વડિલશ્રી મનુભાઈ દૂધાતે નવી નિમાયેલી સમિતિને અભિનંદન આપી જવાબદારીનું મોટુ લીસ્ટ થંભાવ્યું જેમાં આગળ વધવા માટે, સમાજને બાંધવા માટે એક બીજાનો પરિચય હોવો ખૂબજ જરૂરી છે. પરિવારો વચ્ચે ઓળખ હોવી જરૂરી છે, તો
પહેલું કાર્ય વસ્તીપત્રક બનાવો જેમાં કુટુંબની પુરી વિગત ભરો જે માટે કમિટી બનાવી જવાબદારી સોંપો. આજના જેવા સ્નેહમિલન/મેળાવડાના આયોજનો કરો જેથી આપસમાં પરિચય વધે ભાઈચારો વધે અને સમાજ એક સૂત્રે બંધાય.
બીજુ કાર્ય સમાજને કાયદાકીય સ્વરૂપ મળે તે હેતુ જરૂરી સરકારી ખાતામાં નોંધણી કરાવવા કાર્યવાહિ તાત્કાલિક ધોરણે કરાવો.
ત્રીજુ કાર્ય સમાજના સભ્યો એક મેકના મનથી બંધાય પણ મળવા માટે જગ્યા ન હોય તો ? તેથી ભવ્યાતી ભવ્ય.... નવીમુંબઈનાં બધાજ સામાજીક ભવનોથી સુંદર અને પોતાની અલાયદી ઓળખ ધરાવતું હોય તેવું પોતીકુ ભવન બાંધવું , જેનો લાભ સમાજના દરેક વર્ગને મળી રહે અને આ ભવનના માધ્યમથી સમાજના બધાજ કુટુંબો એકસૂત્રે બંધાઈ રહે, તેવા ભવનના નિર્માણ માટે અનુકુળ જગ્યા શોધવી એ માટે જરૂરી ભંડોળ એકત્રિત કરવા વિષેની કાર્યવાહિ કરવી.
ચોથું કાર્ય સમાજને ભંડોળની દ્રષ્ટિએ સદ્ધર કરવાનું કાર્ય આ માટે ટ્રસ્ટીમંડળ વતી સૌને આશ્વાસન આપવામાં આવ્યું કે આ કાર્યમાં ટ્રસ્ટીઓનો સંપૂર્ણ સાથ સહકાર રહેશે. સમાજ જો આર્થિક રીતે સદ્ધર હશે તો જ ભવિષ્યમાં કોઈ મોટુ કામ કરી શકાશે. સમાજના જરૂરિયાતમંદ બાંધવો માટે સહાય વિષયક કાર્યો કરી શકાશે.
• સ્વાસ્થયવર્ધક પ્રવૃત્તિઓ
• શેક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક મેળાવડા.
• યુવા વર્ગને યોગ્ય દોરવણી વિષયક પ્રવૃત્તિઓ
• આપણા પ્રદેશ, આપણા દેશ પ્રત્યે ભાવના તથા પ્રેમ જાગૃત થાય તેવી પ્રવૃત્તિઓ.
વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરવાનું ધ્યેય આપણો સમાજ રાખે છે તે સૌથી અગત્યની બાજુ છે. આર્થિક સદ્ધરતા વગર આ શક્ય નથી, માટે જરૂરી ભંડોળ એકઠું કરવા મૅમ્બરશીપ ફી, ફંડ રેઈજીંગ કાર્યક્રમ કરવા, સમાજના દાતાશ્રેષ્ઠીઓ તથા વેપારી બંધુઓ વગેરે પાસે સંપર્ક કરવો, આ જવાબદારીભર્યા કાર્ય માટે ટ્રસ્ટી મંડળનો સંપૂર્ણ સહકાર કારોબારી સમિતિને તથા નવ નિર્વાચિત પ્રમુખને રહેશે તેવું આશ્વાસન પણ ટ્રસ્ટીમંડળ વતી આપવામાં આવ્યું.
આ જવાબદારીના પ્રત્યુત્તરરૂપે નવ નિર્વાચિત યુવા પ્રમુખશ્રી દિનેશભાઈ કાનાણીના શબ્દો હતા. ટ્રસ્ટી મંડળ તથા વડિલ શ્રેષ્ઠીઓ અને સમાજના ભાઈઓ-બહેનો બધાજ સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં વચન બદ્ધ હોય તો અમારે ક્યાં ‘ઉપાધી’ છે, આપણા સમાજનું ભવન જલ્દી થી જલ્દી આપણી કલ્પનાને અનુરૂપ ઉભુ કરીને બતાવીશું. આ ચેલેન્જનો સ્વિકાર કરું છું અને ટ્રસ્ટી મંડળે સૂચવેલ બધીજ પ્રવૃત્તિ આપણો સમાજ કરશે જ તેવું આશ્વાસન આપું છું.
૧૯૯૭ થી શરૂ કરીએ તો પ્રથમ વસ્તીપત્રક વર્ષ ૧૯૯૮ માં પ્રકાશિત કરવામાં આવ્યું, આજ વર્ષમાં સમાજને કાયદાકીય સ્વરૂપ મળે તે હેતું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નવી મુંબઈના નામે ટ્રસ્ટ નોંધણી કાયદા હેઠળ સરકારી ખાતામાં જરૂરી નોંધણી કરવામાં આવી. વર્ષ ૧૯૯૭ થી વર્ષ ૧૯૯૯ દરમ્યાન નાનામોટા મેળાવડા તથા ડાયરાનું આયોજન કર્યું.
સૌના સહિયારા પ્રયત્નથી ૧૪-૬-૧૯૯૯ ના શુભ દિને નવીમુંબઈના રચયિતા સિડકો પાસેથી સાનપાડા મુકામે ૧૫૦૦ ચો.મી.નો વિશાળ પ્લોટ લેવામાં સફળતા મેળવી. આ પ્લોટ ભારત વર્ષની આર્થિક મહાનગરી મુંબઈની ધોરી નસ સમી લોકલ ટ્રેન મારફત (બે મિનીટ), N.H-4 થી (પગપાળા ૪ મિનીટ) ના અંતરે અને નવીમુંબઈના નેકલેસ સમાન ૩૦૦ ફુટ પહોળા પામબીચ માર્ગ સાથે સીધો જોડાયેલ હોવાથી સમાજના દરેક નાના-મોટા પ્રસંગોમાં સૌ પોત પોતાની અનુકુળતા પ્રમાણે સહેલાઈથી ભવિષ્યના આપણા ભવન પર પહોંચી શકે છે. એશીયા ખંડની સૌથી વિશાળ જથ્થાબંધ માર્કેટ એ.પી.એમ.સી ને લાગીને આવેલ નોડ હોવાથી વેપાર સાથે સંકળાયેલા બહારગામથી આવતા આપણા બાંધવો પણ આપણા સમાજનો યથાયોગ્ય ઉપયોગ કરી શકે.
આ પવિત્ર ભૂમિ સંપાદન કર્યા પછી જવાબદારીનો ગુણાકાર થઈ અનેક ચુનોતીઓ કમિટી સમક્ષ આવી, જેવી કે આપણા ભવિષ્યના ભવનનો નકશો તૈયાર કરવો તેને સિડકો/ એન.એમ.એમ.સી માં મંજુર કરાવવો , ભવન નિર્માણ માટે કોન્ટ્રાક્ટર નક્કી કરવા અને આ બધાજ કાર્યો ખુબજ સમય તથા જહેમત માંગે તેવા હતા. ગુઢદ્રષ્ટા વડિલો અને ટ્રસ્ટીઓ , દાતાશ્રેષ્ઠીઓથી ઉભરાતી જ્ઞાતિ, ખંતિલુ યુવાન નેતૃત્વ અને યુવાન કાર્યકર્તાઓ કે જેમના પર ઈશ્વરની કૃપા હોય, માતાના આશિર્વાદ હોય, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે “કાર્યક્ષેત્રમાં ઝુકાવ્યું એટલે સહાય અવશ્ય પ્રાપ્ત થશે જ” તેવા અડગ વિશ્વાસ સાથે આપણી યુવા ટીમે વડિલોની સલાહ સાથે નકશા બનાવરાવી તેને સ્થાનિક ઓથોરીટી પાસેથી મંજુરી મેળવી દાતાઓને મળી જરૂરી ભંડોળ એકઠું કરવા માટે તનતોડ મહેનત કરી.
ભગવાન વિશ્વકર્માના આશિર્વાદ મેળવવા, માતૃભૂમિને વંદન કરી કાર્યારંભ કરવા, માતાજીના આશિર્વાદ મેળવી શક્તિ પ્રાપ્ત કરી ભવનના નિર્માણની શરૂઆત કરવા તા. ૧૪-૪-૨૦૦૨ ના શુભ દિને ભૂમિ પૂજન તથા પવિત્ર હવનનો કાર્યક્રમ દાતા શ્રેષ્ઠીઓના કરકમળો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો.
ફક્ત ૩૨૮ ક્ટુંબોનો સભ્ય સમુહ ધરાવતા નવી મુંબઈના આપણા નાનકડા સમાજ દ્વારા, સમાજ ભવન બાંધકામ સમિતીના સભ્યોના ભગીરથ પુરૂષાર્થ અને સમર્પણના પરિણામ રૂપ ઓક્ટોબર ૨૦૦૨ થી નવેમ્બર ૨૦૦૩ એટલે કે ફક્ત ૧૪ મહિનાના ટુંકા ગાળામાં અંદાજે ૩૦,૦૦૦ ચો.ફુટ (સ્ટીલ્ટ + ૩ માળ) નું ભવન ૧૦ લાખની વસ્તી ધરાવતા નવી મુંબઈ શહેરના નજરાણા સમાન બધાજ સમાજ ભવનોમાં સૌથી વિશાળ અને પ્રથમ A/C સભાગૃહ સાથેનું ભવન નિર્માણ કરવામાં આવ્યું દાતાશ્રેષ્ઠીઓનો અવિરતદાનનો પ્રવાહ, શુભ ચિંતકોના આર્શિવાદ અને વડિલોના સમયસરના માર્ગદર્શનથી આ સુંદર ભવન નિર્માણ કરવાનું શક્ય બન્યુ. યુવા નેતૃત્વ અને તેમની શક્તિશાળી ટીમ પર સમાજના શ્રેષ્ઠીઓએ મુકેલ વિશ્વાસના પ્રતિક સમા આ ભવનને લોકાપર્ણ માટે શુભઘડીની વાટે મુકી દીધું. આ ભવનમાં
ગ્રા.ફ્લોરમાં ભોજન કક્ષ, મંદિર અને ઓફિસ મળીને આશરે ૭૫૦૦ સ્કે.કુટ,
પહેલે માળે વિશાળ A/C સભાગૃહ આશરે ૬૧૦૦ સ્કે.ફુટ
બીજે માળે નાનો A/C સભાગૃહ આશરે ૨૫૦૦ સ્કે.ફુટ
મહેમાનોને ઉતારા માટેના ફુલ ફર્નિશર્ડ રૂમો તથા ત્રીજા માળે વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ વગેરેમાં ૨૧મી સદીના શહેર નવીમુંબઈને અનુરૂપ અત્યાધુનિક સગવડો ધરાવતા રૂમોની સુંદરવ્યવસ્થા આપણા આ ભવનમાં કરવામાં આવેલ છે.
સમાજ ભવનની લોકાપર્ણ વિધી માટેની જરૂરી તૈયારીઓમાં સમાજના નાના-મોટા સૌ ભાઈ-બહેનો એક થઈ તૈયારીમાં લાગી ગયા. વિશિષ્ટ મહેમાનોને દેશ-વિદેશમાં તથા આપણા વતનમાં રહેતા નજીકના સૌને આમંત્રણો મોકલાવ્યા. આપણા આ આમંત્રણને માન આપી આમંત્રિત સૌ બંધુભગીનીઓ આપણી ખુશીમાં સામેલ થવા આપણે આંગણે પધાર્યા. માનનીય શ્રી કેશુભાઈ પટેલ (ગુજરાત રાજ્યના માજી મુખ્ય મંત્રી), ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા તથા અન્ય મંત્રીશ્રીઓ, સ્થાનીક મંત્રીઓ તથા આગેવાનો અને અધ્યાત્મક ગુરૂ સ્વામી સચ્ચિદાનંદજીના શુભ આશિર્વાદ સાથે રાજકીય શક્તિ અને આધ્યાત્મક શક્તિના સંયુક્ત કરકમળો દ્વારા તા. ૪-૧-૨૦૦૪ ના શુભદિન અને શુભ ઘડિએ આપણા સમાજ ભવનને જનતા માટે ખુલ્લો મુકી લોકાર્પણ વિધી સંપન્ન કરી.
સંકલનઃ દેવશી વાઘાણી