પટેલ (કણબી) જ્ઞાતિ નો ઇતીહાસ

‘કણમાંથી મણ ધાન્ય પેદા કરનાર કણબી’



ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તથા ભારતના વિભિન્ન રાજ્યો અને વિશ્વના વિવિધ દેશોમાં પથરાયેલા પાટીદારો, પટેલો કે કણબીઓના વિશે ઈતિહાસવિદો કહે છે કે વાયવ્ય દિશામાંથી ગુર્જરો સાથે કૂર્મિઓ પણ હિન્દુસ્તાનમાં આવ્યા. સંસ્કૃત શબ્દકોશમાં કુઅસ્ય અસ્થિ ઈતિ કૂર્મિ, મતલબ કે જેની પાસે જમીન હોય તે કૂર્મિ, એનું અપભ્રંશ કુનબી અથવા કણબી થયું. સં. કુટુમ્બિન-કૂહુમ્બી પરથી કણબી શબ્દ આવ્યો.

હજારો વર્ષ પૂર્વે આર્યો એશિયાખંડના પામીર નામના ઉચ્ચ પ્રદેશમાં વસતા હતા. સમય જતાં સ્થાનાન્તર કરીને એમની બે ટોળીઓ જુદી જુદી દિશામાં વહેંચાઈ ગઈ. એક ઈરાન તરફ અને ત્યાંથી યુરોપના દેશોમાં અને બીજી મધ્યપૂર્વના દેશોમાં જઈ વસી. કાળક્રમે પામીર પ્રદેશોમાં વસનારી ટોળી ખૈબરઘાટ દ્વારા હિંદુકુશની પર્વતમાળા ઓળંગી સિંધુ નદીના પટમા આવી. ત્યાંથી ગંગા-જમુનાના ફળદ્રુપ મેદાનો અને પંજાબમાં આવીને વસવાટ કર્યોં અહીં આવીને કણબીઓએ ખેતીવાડી વિકસાવી, કણબીમાં પાછળથી ત્રણ તડાં થયાં લેઉવા, કડવા અને આંજણા, લેઉવામાં હાલારી, ગોહિલવાડી, ગુજરાતી, તારકઢા એવી પેટા જ્ઞાતિઓ છે. હરગોવિંદદાસ કાંટાવાળા લખે છે કે લેઉવા પાટીદારના વહીવંચા બારોટોની ‘વહી’ બોલે છે કે લેઉવા લોહગઢથી સંવત ૭૦૨ ની સાલમાં ગુજરાતમાં આવીને વસ્યા. લવના વંશ લેઉવા અને કુશના વંશજ કડવા એવી એક પૌરાણિક માન્યતા પણ પ્રચલિત છે.

ઈતિહાસનાં પાનાં બોલે છે કે કૂર્મિઓ-કણબીઓએ પોતાના મૂળ વતન લેયા અને કરડ પ્રાંતનું નામ જાળવી રાખવા, લેયા પ્રાંતતાળાઓએ પોતાને લેઉવા કહેવરાવ્યા, અને કરડ પ્રાંત વાળાઓએ પોતાને કડવા તરીકે ઓળખાવ્યા. તેઓ ગુજરાતમાં આવ્યાં ત્યાંસુધી લગ્ન વગેરે ક્રિયાઓમાં બંને વચ્ચે કોઈ ભેદ ન હતો. ત્યાર પછી લગ્નાદિ વ્યવહારમાં લેઉવાઓ સાવ જુદા પડી ગયા એમ ‘લેઉવા કણબીઓ’ માં શ્રી ગોરધનદાસ સોરઠિયા લખે છે.

લેઉવા અને કડવા પાટીદારોનું ગોત્ર કશ્યપ ગણાય છે. મહર્ષિ કશ્યપ મહાન વિચારક, વિદ્ધાન, વૈજ્ઞાનિક, કવિ, કલાકાર અને કુશળ કિસાન હતા. એમણે ઋગ્વેદના પ્રથમ મંડળ, સૂક્ત ૯૯ની રચના કરી હતી, પાટીદારો આ કૃષક, કશ્યપ ઋષિના કૂર્મિવંશી ક્ષત્રિય કહેવાય છે. આ કણબી-પાટીદારો ભારતભરમાં પથરાયેલા જોવા મળે છે. ઈતિહાસના ઓવારે ઊભા રહીને ભૂતકાળ ભણી નજર નોંધીશું તો જણાય છે કે કૂર્મિઓ ઈ.સ. પૂર્વ ૩૦૦ ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા હતા. તેઓ પંજાબ, સિંધ, કચ્છ, રાજસ્થાન અને રાધનપુર એમ જુદાજુદા માર્ગ સૌરાષ્ટ્ર આવીને સ્થિર થયા છે એમ વિદ્ધાનો માને છે. ત્યાર પછી ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના શાસન દરમ્યાન ગંગા-જમનાના દોઆબમાંથી ૧ ૮૦૦ જેટલા પાટિદાર પરિવારો ગુજરાતમાં આવીને સ્થાયી થયાં. પ્રથમ એમની વસાહત પાટણ બની. ઈ.સ. ૧૧૧૦ ના અરસામાં રામજી પટેલ નામની પ્રભાવશાળી વ્યક્તિએ પાટણથી અડાલજ આવીને છસો લેઉવા પટેલોને અહીં વસાવ્યા. તેઓ સિદ્ધરાજના મંત્રીમંડળમાં મહત્ત્વનું સ્થાન શોભાવતા હતા.

કાઠિયાવાડના કણબી ‘કણબી પટેલ’ તરીકે ઓળખાય છે. પટેલ એ કોઈ જ્ઞાતિ કે સમાજ નથી. એ તો કણબી જ્ઞાતિના અમુક લોકોને મળેલો ઈલ્કાબ છે. મહંમદ બેગડાએ ગુજરાતમાં ખેતીના વિકાસ માટે એકેક ગામનો કબજો, પસંદ કરીને અને આબાદ કરવાની શરતે કણબીઓને આપેલો. આ હોદ્દો ધરાવનાર સૌથી વધુ કણબીઓ હતા. કાયદો અને વ્યવસ્થા સંબંધી રાજ્યને તેઓ અહેવાલ આપતા. આ હોદ્દો પછી પટેલમાં ફેરવાઈ ગયો. આ રીતે જોઈએ તો પાટીદાર શબ્દ ધંધા પરથી આવ્યો છે, જ્યારે પટેલ શબ્દ ખિતાબ કે પદવી પરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં અટપટો લાગતા ને પટેલ શબ્દમાં પટલાઈ કૂટવાની માનસિક ખુમારી અને શૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી લેઉવા-કડવા સમગ્ર પાટીદાર કોમે પટેલ શબ્દ અપનાવી લીધો છે. હવે બીજા સંદર્ભે જોઈએ.

પટેલ શબ્દનું મૂળ તપાસીએ તો સંસ્કૃત 'પટ્ટલિક' શબ્દ છે. ગામના ખેતરોની જમીન અને ઘરથાળની જમીનોના જે વેચાણ કે ગીરો દસ્તાવેજ લખાણો થતાં તેની એક નકલ સાચવનારનું કામ રાજાઓએ પ્રમાણિક હોવાથી કણબીઓને સોંપેલું આથી પટ્ટલિક શબ્દ પરથી પટેલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. એનું કારણ એવું જણાય છે કે દસ્તાવેજો કે લેખો, પટ્ટાઓ (પટ્ટ-વસ્ત્ર) ઉપર લખાયેલા આગેવાન પટ્ટલિકો પાસે રહેતા હતા. આમ સેંકડો વર્ષથી 'પટેલ' શબ્દ ગામના આગેવાન તરીકે વપરાતો આવ્યો છે. ‘પાટી’ એટલે જમીનનો ટુકડો અને એનો માલિક “પટ્ટીદાર' કહેવાતો, એનું અપભ્રંશ થઈને પાટીદાર શબ્દ આવ્યો, આમ પટેલ એ કોઈ જ્ઞાતિ કે અટક સંદર્ભે નથી પણ માનવવાચક ઉપનામ છે. આ હોદ્દો પછી પટેલમાં ફેરવાઈ ગયો, અને કણબીની આખી નાત પટેલોના નામે જાણીતી થઈ. આ પેટેલો ખૂબ મહેનતું પ્રજા, કણમાંથી મણ અનાજ પેદા કરે. એથી એના હાથ સોનાના કહેવાતા. આથી દિલ્હીના બાદશાહે એકવાર કહેલું કે ‘અમારા રાજ્યમાં તો જુવાર-બાજરી પાકે છે પણ ગુજરાતના સુલતાનોને ઘેર તો મોતી પાકે છે.'

એ પછી પરિસ્થિતિ પલટાઈ, અંધાધૂંધીનો યુગ આરંભાયો, અલ્લાઉદ્દીને કરણઘેલાને હરાવ્યો. મુસલમાની સૈન્ય ગુજરાતને લૂંટવા બાળવા માંડયું. ખેતીનો શાંત ધંધો કરનાર કણબી પેટલોથી વસેલાં આબાદ ગામડાં ભાંગવા માંડયાં, પ્રજા સલામતી માટે જ્યાં ત્યાં નાસવા માંડી, એ વખતે કાઠિયાવાડના રાજવીઓ ગુજરાતના પાટિદારોની ખેતી-ખંત જાણતા હતા. આથી એમણે પોતાના ગામો આબાદ કરવા માટે પટેલોને “પળત' આપી રાજમાં વસાવવા માંડયા. એમાં જામનગરના રાજવી જામરાવળ અગ્રણી રહ્યા, સંવત ૧૫૮ર માં ભાદા ઠુંમર અને પૂજા ભંડારીને ખેડૂતોના મોટા સમૂહ સાથે પોતાના રાજ્ય હાલરમાં ઉતાર્યા. પીપર ભાડુકિયામાં એક સાથે પટેલોના ૭૫૦ ઉચાળા ઊતર્યા હતા. એમાંથી કંઈક હાલારમાં રહ્યાં. કઈક ધોરાજી તરફના ગામોમાં ગયા. ત્યાં નવા ગામોના તોરણ બાંધી કઠિયાવાડનો મુલક આબાદ કરવા માંડયા. સંવત ૧૮૬૯ માં હાલારમાં મોટો દુષ્કાળ પડયો. એ ‘કોતડીના કાળ’ તરીકે જાણીતો છે. કાઠી પ્રજાનો મુલક રાજપૂતોએ જીતી લેતાં કાઠીઓ બહારવટે ચડયા ને ખેડૂતોને રંજાડવા લાગ્યા. અમરેલી વગેરે વિસ્તારો એક કાળે કણબી ખેડૂતની વસ્તી વગરના થઈ ગયા. ત્યારપછી ગાયકવાડી હકૂમત આવતાં થોડી શાંતિ સ્થપાઈ એમ ગોરધનદાસ સોરઠિયા નોંધે છે. એ પછી સાવરના વાલા પટેલે સમાજના સહકારથી અંટાળિયા મહાદેવનું મંદિર બનાવ્યું , જે આજે પાટીદારોનું તીર્થસ્થાન ગણાય છે.

એ પછી રજવાડાના સહકારથી સમયાન્તરે અન્ય પ્રદેશોમાંથી પાટીદારો સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા. આ કુટુંબોએ વહાલા વતનની યાદી જાળવી રાખવા પોતાના ગામો ઉપરથી અટકો રાખી. દા.ત.

વસો ઉપરથી વસોયા,
ગુર્જરા ઉપરથી ગજેરા,
સોજીત્રા ઉપરથી સોજીત્રા,
સાવલી ઉપરથી સાવલિયા,
લીંબાશી ઉપરથી લીંબાશિયા,
વઘાશી ઉપરથી વઘાસિયા,
વણસોલ ઉપરથી વણસોલિયા,
માંઘરોલી ઉપરથી માંગરોળિયા,
તારપર ઉપરથી તારપરા,
તરણોલ ઉપરથી તરણોલી,
ધમેલી ઉપરથી ધામેલિયા,
કોઠી ઉપરથી કોઠિયા,
બોરસદ ઉપરથી બોરસદિયા,
ફિણાવ ઉપરથી ફિણાળિયા,
સિદ્ધપુર ઉપરથી સિદ્ધપરા,
માંડલ ઉપરથી માંડલિયા,
સિંગાલી ઉપરથી શીંગાળા,
હીરપર ઉપરથી હિરપરા,
પાદરા ઉપરથી પાદરિયા
 

તરીકે ઓળખાયા. પછીથી કાળક્રમે એમની અટકો બદલાવા માંડી. કાઠિયાવાડના ગામો ઉપરથી અને એમના વડવાઓનાં નામો ઉપરથી અટકો આવી. દા.ત.

ગોંડલ પરથી ગોંડલિયા,
રાણપર પરથી રાણપરિયા,
સરધાર પરથી સરધારા
છોડવડી પરથી છોડવડિયા
રૈયા પટેલના વંશજો રૈયાણી,
કાના પટેલના વંશજો કાનાણી,
જાગા પટેલના વંશજો જાગાણી
ભાદા પટેલના વંશજો ભાદાણી

તરીકે ઓળખાણી. જેઓ પ્રથમ હાલારમાં ઉતર્યા તેઓ હાલારી લેઉવા પટેલ કહેવાણા. જે કુટુંબો સીધા ગોહિલ વાડમાં આવ્યાં તે ગોહિલવાડી (ગોલવાડી) લેઉવા ગણાયા. પટેલોમાં સૌથી મોટી સંખ્યા હાલારી લેઉવાની હોવાનું મનાય છે.

સંકલનઃ દેવશી વાઘાણી